Loading
Loading

NCERTનાં પુસ્તકોના અમલથી જેઈઈ-નીટમાં ફાયદો થશે

શિક્ષણક્ષેત્રે સમગ્ર દેશમાં એકસૂત્રતા લાવવા અને વિદ્યાર્થીઓ અગાઉથી જે.ઈ.ઈ તેમજ નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થઇ જાય તે માટે ધોરણ 9 તેમજ ધોરણ 11માં એન.સી.ઈ.આર.ટી નાં પાઠ્યપુસ્તકો અમલમાં મુકાયાં છે.જેમાંથી ધોરણ 9 માં ગણિત તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં પાઠ્યપુસ્તકો આ વર્ષથી વિદ્યાર્થીઓને એન.સી.ઈ.આર.ટી ના અભ્યાસક્રમ મુજબ ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ધોરણ 9ના ગણિત તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજીના જૂના અભ્યાસક્રમનાં પાઠ્યપુસ્તકો કરતાં નવાં પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે ફાયદાકારક રહેશે. દરેક પ્રકરણમાં થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ પર પણ પૂરતું ભારણ મૂકવામાં આવ્યું છે. જ્યારે પાઠ્યપુસ્તકની ડિઝાઇન તેમજ તમામ પ્રકરણમાં આવતા ચાર્ટ અને કોષ્ટકો વિદ્યાર્થીઓને આકર્ષે તેવાં હોવાથી વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરવામાં રુચિ વધી શકે છે. આ સાથે વિદ્યાર્થીઓમાં કોઈપણ મુદ્દા અંગે સમજણ કેળવવા માટે શિક્ષકોને માત્ર પાઠ્યપુસ્તકો પર નહિ પરંતુ અન્ય ઓનલાઇન સંદર્ભ સાહિત્યનો ઉપયોગ કરવા પણ જણાવવામાં આવ્યું છે. જેના કારણે કલાસરૂમમાં કંટાળી જતા વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે અભ્યાસને લગતા વિવિધ પ્રયોગો અને પ્રવૃત્તિઓ દ્વારા જકડી રાખવામાં મદદરૂપ થશે. જે અંતે સારાં પરિણામ લાવવામાં મદદરૂપ થશે.