Loading
Loading

ગુજકેટમાં મેથ્સનું પેપર લાંબુ લાગ્યું, 5-7 માર્કસનું છૂટી ગયું ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીનું પેપર એકંદરે સરળ રહ્યું ધોરણ 12ના રિઝલ્ટ સાથે ગુજકેટનું પરિણામ અપાશે

એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ 
રાજ્યની ઈજનેરી કોલેજો તેમજ બી ગ્રૂપના ગુજકેટના વિદ્યાર્થીઓને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવેલી ગુજકેટ એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. 
ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીના પ્રશ્નો વિદ્યાર્થીઓને માટે ગરમીમાં રાહતરૂપ બન્યા હતા. વિદ્યાર્થીઓને ગુજકેટમાં મેથ્સના દાખલા થોડાક લાંબા લાગ્યા હતા અને પાંચથી સાત માર્કસના પ્રશ્નો છૂટી ગયા હોવાની ફરિયાદ હતી. વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ અને શિક્ષકોએ પણ ગુજકેટનું પ્રશ્નપત્ર ટફ ન રહ્યું હોવાનું જણાવ્યું હતું. 1.36,498 વિદ્યાર્થીઓમાં 1,34,979 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બાયલોજીમાં 73,171 જ્યારે ગણિતમાં 61,981 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ગુજકેટનું પરિણામ ધોરણ-12 સાયન્સના પરિણામની સાથે અપાશે. 
ગરમીએ મુશ્કેલી વધારી : ગુજકેટની પરીક્ષા આપી રહેલા અને ખાસ કરીને એ ગ્રૂપના વિદ્યાર્થીઓએ પરીક્ષા 10 કલાકે શરૂ થઈ તે પહેલા 9.30 કલાકથી બપોરે ચાર સુધી લગભગ સાડા છ કલાક સુધી ગરમીના પ્રકોપની વચ્ચે પરીક્ષા આપી હતી. 
કેમિસ્ટ્રીના કેટલાક પ્રશ્નોએ ફાંફે ચડાવ્યા 
મેથ્સ, કેમિસ્ટ્રી, ફિઝિકસની ટેસ્ટ વિદ્યાર્થીઓને ટફ લાગી ન હતી. મેથ્સના પ્રશ્નો થોડાક લેન્ધી પૂછાયા હતા,પરિણામે ઘણા બધા વિદ્યાર્થીઓને 5થી 7 માર્કસના પ્રશ્નો છૂટી ગયા છે. વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિષયના કેટલાક પ્રશ્નોએ મૂંઝવ્યા હતા. યશ ઠક્કર, વિદ્યાર્થી 
મેથ્સમાં રફ વર્ક માટે પૂરતી જગ્યા ન હતી 
ગુજકેટના વિવિધ વિષયોના પ્રશ્નો શિક્ષણ બોર્ડની પેપર સ્ટાઈલ મુજબના હતા, જેના કારણે મેથ્સ વિષયની પરીક્ષાને બાદ કરતા બાકીના વિષયોના પ્રશ્નોના જવાબ લખવામાં વિદ્યાર્થીઓને ખાસ મુશ્કેલી પડી ન હતી. મેથ્સ વિષયના પ્રશ્નપત્રમાં રફ વર્ક એટલે કે દાખલની ગણતરી માટે આવશ્યકતા મુજબની જગ્યા રખાઈ ન હતી. તેજસ ઠક્કર, વાલી 
પેપર બોર્ડની સ્ટાઈલ મુજબ પૂછાયા હતા 
મેથ્સ-કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષયમાં પ્રત્યેક વિષય દીઠ 40 માર્કસના 40 પ્રશ્નો પૂછાયા હતા. બોર્ડની પેપર સ્ટાઈલ મુજબના સંતુલિત પ્રશ્નપત્રથી વિદ્યાર્થીઓને એકંદરે ખાસ મુશ્કેલી પડી ન હતી. જો કે કેમિસ્ટ્રીના કેટલાક પ્રશ્નોએ તેમજ મેથ્સના કેટલાક દાખલાઓએ વિદ્યાર્થીઓની ં કસોટી કરી હતી. પુલકિત ઓઝા, કોચિંગ નિષ્ણાત 


source: db.com